યુવાનોમાં જોવા મળતું અસામાજિક વર્તન

હમણાં ઘણાં સમયથી અમુક પ્રકારના કેસ ખાસ કરીને યુવાનોમાં વધુ જોવા મળે છે. તેમાં તેના મા-બાપ તેના યુવાન પુત્ર-પુત્રીને મારી પાસે લાવે છે અને તેની આપવિતી સંભળાવે છે. પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો તે યુવક-યુવતીને કોઇ મોટી માનસિક બિમારી છે તેવું ન લાગે. જૂદી રીતે કહીએ તો સમાજની દ્રષ્ટિએ સામાન્ય કરતા અલગ રીતે તે લોકો જીવવા ટેવાયેલા હોય છે. અથવા તો બિનપ્રમાણિકપણે તે જીદંગી જીવવાની કોશિશ કરતા હોય છે.

આવા કેસના ચિન્હો જોઈએ તો અલગ અલગ પ્રકારના હોય છે. જેવા કે લાંજીવનમાં કલેશ, કામની જગ્યાએ સેટ ન થવું, સ્કૂલમાં પ્રોબ્લેમ્સ, ક્ષણિક આવેગ કે ગુસ્સો, સામાજીક રીતે એકલા રહેવું, પશ્ચાતાપનો અભાવ, વારંવાર ખોટું બોલવું, ચોરી કરવી, પાન-માવા, દારૂ-ડ્રગ્સની આદત, આપઘાતનો પ્રયાસ કે ધમકી, ધરપકડ, વારંવારની આર્થિક નુકશાની, વારંવાર ઝઘડો કે લડાઇ, એકદમ રખડું-આવારા જીવન, અન્ય “ઉર્ફ” ના નામે નાણાની ઉચાપત કરવી વિગેરે જેવા અલગ અલગ પ્રકારના ચિન્હો આવા પ્રકારના દર્દીમાં જોવા મળતા હોય છે.

આમ તો વર્તનને લગતી આવા પ્રકારની બિમારી ૫ થી ૧૫% વ્યકિતઓમાં જોવા મળતી હોય છે. જે વ્યક્તિના માતા-પિતા આવી બિમારીનો ભોગ બનેલ હોય તેના સંતાનોમાં આ બિમારી થવાની શક્યતા વધારે રહેતી હોય છે. જે બાળકનો ઉછેર શિસ્તના વાતાવરણમાં ન થયો હોય, નાનપણથી જ દારૂ-ડ્રગ્સની આદત પડી ગઈ હોય, જેને માતાપિતાનો પ્રેમ ન મળ્યો હોય તેમાં મોટી ઉંમરે આ બિમારી થવાની શક્યતા વધારે હોય છે.

ઉપરોકત બિમારીના દર્દીને બિહેવિયર થેરાપીની મદદથી તેને અસામાજીકમાંથી સામાજીક રીતે સ્વીકાર કરી શકાય તેવું વર્તન બનાવવામાં મદદ થઈ શકે છે. શક્ય હોય ત્યાં સુધી આમ તો બાળપણથી જ આવા વર્તનને અનુરૂપ સારવાર લેવી જોઈએ. ઘણી વખત સમાજના અમુક ચોક્કસ આર્થિક અને સામાજીક પરિબળોમાં આવુ વધારે જોવા મળતું હોય છે, તો તેને ઓળખીને શરૂઆતથી જ તેને ચોકકસ પ્રકારની ટ્રેઈનીંગ આપવી જોઈએ. પબ્લિક એજ્યુકેશનથી દારૂ અને અન્ય કેફી પદાર્થની આડઅસરવશે સામાજીક જાગૃતિ લાવવી જોઈએ. એવાટીવી કાર્યક્રમકે જે મુખ્યત્વે બાળકો જ જોતા હોય તેમાં શકય હોય ત્યાં સુધી હિંસા અને અસામાજીક પ્રવૃત્તિ વિશે સવિસ્તર કવરેજ ટાળવું જોઈએ. બાળકને નાનપણથી જસેવા-સહાય-મઠને લગતા કાર્યક્રમો જોવા માટે ઉત્સુક કરવા જોઈએ.

Leave a Comment